રાજકોટમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં આઝાદીના લડવૈયાના જીવન ચરિત્ર રજૂ થયા, ઠેરઠેર ધ્વજવંદનનું આયોજન

શહેરભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરભરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળી હતી. ખોડલધામ મંદિરે તિરંગાનો વિશેષ શણગાર કરાયો હતો. જ્યારે નવયુગલે લગ્ન પરિણયમાં બંધાતા પહેલા ધ્વજવંદન કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં દેશભક્તિના અનેક કાર્યક્રમો યોજાયા હતા.
રાષ્ટ્ર ગૌરવ યાત્રા
સાધુ સમાજ અને નિવૃત્ત આર્મીમેને પ્રસ્થાન કરાવ્યું
રાષ્ટ્ર ગૌરવ યાત્રા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આયોજક કાનાભાઈ કુબાવતે જણાવ્યું હતું કે, યાત્રામાં અંદાજિત 1 હજાર લોકો જોડાયા હતા. તેમજ શિવાજી, ભારત માતા, ભગતસિંહજી, ચંદ્રેશખર આઝાદ સહિત આઝાદીના લડવૈયા તમામના જીવનચરિત્ર રજૂ થયા હતા. સતત 7મા વર્ષે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ સાધુ સમાજ અને નિવૃત્ત આર્મીમેનના હસ્તે કરાયું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી
ખોડલધામ અને સરદાર પટેલ ભવનમાં ઉજવણી
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રભક્તિ
નવયુગલોએ લગ્ન પહેલા ધ્વજવંદન કર્યું
રાજકોટમાં આનંદનગર નજીક આવેલા કોર્પોરેશન સંચાલિત હોલમાં લખન રાવલ અને રિદ્ધિ જોશીના લગ્ન 26 જાન્યુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. નવયુગલે લગ્ન પહેલા ધ્વજવંદન કર્યું હતું. લખન રાવલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણીમાં વર- કન્યા પક્ષના તમામ મહેમાનો જોડાયા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી યાદગાર બની રહે તે હેતુથી આ પ્રકારનું આયોજન કર્યુ હતું.