12મીએ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ: રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, મંત્રીમંડળના શપથ ક્યારે?

12મીએ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ: રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, મંત્રીમંડળના શપથ ક્યારે?

ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના  પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં નિરીક્ષકો રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. તમામ ધારાસભ્યોના સમર્થન બાદ ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી.

ભાજપના મોવડી મંડળે રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપનું મવડી મંડળ રાજભવન ખાતે પહોંચ્યું હતું. અહીં તેઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને નવી સરકારની રચના માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં ભાજપના તમામ 156 ધારાસભ્યોની સહી સાથેનો પત્ર મુકવામાં આવ્યો હતો. આ સાથે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ સમારોહ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે સમય માંગ્યો હતો. જેથી તેઓએ શપથ ગ્રહણ માટે 12મી ડિસેમ્બરનો સમય આપ્યો હતો. આગામી 12મી ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. જ્યારે અન્ય મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ પછીના દિવસે યોજાઈ શકે છે.

મંત્રીમંડળ અંગે દિલ્હીથી લેવાશે નિર્ણય
રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે.

શપથવિધિ સમારોહની તૈયારીઓ શરૂ
ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે યોજાનારા શપથવિધિ સમારોહ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ શપથવિધિ માટે તૈયાર થઈ રહ્યું છે. 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
સાથે જ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

નવા મંત્રીમંડળમાં કોને-કોને મળી શકે છે સ્થાન
મીડિયા રિપોર્ટ અનુસાર, હર્ષ સંધવી, જગદિશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પૂર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કનુ દેસાઇ, શંભુપ્રસાદ તુંડિયા, રમણલાલ વોરા, ગણપત વસાવા, પીસી બરંડા, મુળુ બેરા, ભગવાન બારડ, સી કે રાઉલજી, કૌશિક વેકરિયા સ્થાન મળી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow