ભારતને શા માટે નથી મળી રહ્યું રશિયાથી સસ્તું ઓઈલ
ભારતે 4 વર્ષમાં પહેલીવાર રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ઓછું કરી દીધું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર 2024માં રશિયાનો હિસ્સો 41% હતો જે સપ્ટેમ્બર 2025માં ઘટીને 31% રહી ગયો. તેનું એક મોટું કારણ ભારત પર અમેરિકાનો 25% વધારાનો ટેરિફ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે ભારત, રશિયા પાસેથી ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ ખરીદીને વેચી રહ્યું છે. તેનાથી પુતિનને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળી રહી છે. જોકે આ એકમાત્ર કારણ નથી, જેના કારણે ભારત રશિયન ઓઈલ ખરીદવાથી દૂર રહી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ છે.
એપ્રિલ 2022 થી જૂન 2025 સુધી ભારતે રશિયા પાસેથી દરરોજ 17-19 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું. આનાથી ભારતને 17 અબજ ડોલરની બચત થઈ. ભારતીય કંપનીઓને પણ કરોડો રૂપિયાનો ફાયદો થયો, પરંતુ રશિયન ઓઈલ ખરીદવાને કારણે ટ્રમ્પે ઓગસ્ટમાં ભારત પર 25% ટેરિફ લગાવી દીધો.
ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના વધારાના ટેરિફથી ભારતીય નિકાસને લગભગ 37 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે અને GDP વૃદ્ધિ દર 1% સુધી ઘટી શકે છે.