ભારતમાં અમેરિકન સોયાબીન વેચવાની મંજૂરી મળી શકે છે
ભારત અને અમેરિકા ડીલ પર ચાલી રહેલી વાતચીત દરમિયાન જ એક મોટું અપડેટ સામે આવ્યું છે. અમેરિકી ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીયરનું કહેવું છે કે ભારતે કૃષિ ક્ષેત્રને લઈને અત્યાર સુધીની 'સર્વશ્રેષ્ઠ ઓફર' આપી છે.
IANSના રિપોર્ટ અનુસાર, અમેરિકી ખેડૂતોને ભારતના બજારો સુધી વધુ પહોંચ મળે તે માટે વાતચીત કરવામાં આવી રહી છે. ખાસ કરીને જુવાર અને સોયાબીન જેવા પાકો માટે સ્થાનિક બજાર ખોલવા પર ચર્ચા થઈ રહી છે.
ગ્રીયરે જણાવ્યું કે અમેરિકી વાતચીત ટીમ હાલમાં નવી દિલ્હીમાં છે અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. ભારત કેટલાક પાકોના મામલે સાવચેતી રાખી રહ્યું છે, પરંતુ આ વખતે ભારતે પોતાની તરફથી બજાર ખોલવામાં રસ દાખવ્યો છે.
ગ્રીયરના મતે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો માટે એક મોટું અને નવું બજાર બની શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકી ખેડૂતો પર ચીનની માગ ઘટવાની અસર પડી રહી છે અને મોટી માત્રામાં અનાજ સ્ટોકમાં પડ્યું છે.
ગ્રીયરે એમ પણ કહ્યું કે આ વાતચીત એ બદલાવનો એક ભાગ છે જેમાં અમેરિકા દુનિયાભરમાં નવા બજારો સુધી પહોંચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે દુનિયામાં મળી રહેલા આ નવા બજારો ભારત જેવા મોટા દેશો સાથે થતી વાતચીતને મજબૂત બનાવે છે.