ભારતે ચોથી વખત હોકી એશિયા કપ જીત્યો

ભારતે મેન્સ હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. રવિવારે બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું. ભારતે ચોથી વખત આ ખિતાબ જીત્યો. આ જીત સાથે ભારતે 2026ના વર્લ્ડ કપમાં પણ જગ્યા બનાવી.
ભારત માટે ફાઇનલ મેચની પહેલી જ મિનિટમાં સુખજીત સિંહે ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે ફરી ગોલ કરીને ભારતને 2-0ની લીડ અપાવી. ત્રીજા ક્વાર્ટરમાં દિલપ્રીતે બીજો ગોલ કર્યો. ચોથા ક્વાર્ટરમાં અમિત રોહિદાસે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને 4-0થી આગળ કરી દીધું. દક્ષિણ કોરિયા તરફથી સોન ડીયોને એકમાત્ર ગોલ કર્યો.
ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં 5 વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું. ભારતે 2017માં છેલ્લી વખત ફાઇનલમાં મલેશિયાને હરાવીને એશિયા કપ જીત્યો હતો. કોરિયા બીજી વખત રનર-અપ રહ્યું હતું. 2007માં ફાઇનલમાં પણ ટીમને ભારતે હરાવી હતી.