ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા
કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતની અર્થવ્યવસ્થાનું કદ 4.18 ટ્રિલિયન ડોલર (લગભગ ₹374.5 લાખ કરોડ) આંકવામાં આવ્યું છે.
કેન્દ્રનો અંદાજ છે કે જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવે તો 2030 સુધીમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) 7.3 ટ્રિલિયન ડોલર (લગભગ ₹649.70 લાખ કરોડ) સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો ભારત જર્મનીને પણ પાછળ છોડી દેશે. હાલમાં અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચીન બીજા અને જર્મની ત્રીજા નંબરે છે.
સરકારના નિવેદન મુજબ, ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં શામેલ છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 8.2% રહ્યો. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં તે 7.8% અને પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4% હતો.
વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ
કેન્દ્રના મતે, વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ છતાં 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આ વૃદ્ધિમાં ઘરેલું માંગ, ખાસ કરીને ખાનગી વપરાશની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.
સરકારે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ ભારતની વિકાસ દર અંગે સકારાત્મક અંદાજો લગાવ્યા છે. વિશ્વ બેંકે 2026 માટે 6.5% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. મૂડીઝ અનુસાર ભારત 2026માં 6.4% અને 2027માં 6.5% વૃદ્ધિ સાથે G-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 2025 માટે વૃદ્ધિનો અંદાજ 6.6% અને 2026 માટે 6.2% કર્યો છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OCD)એ 2025માં 6.7% અને 2026માં 6.2% વૃદ્ધિનો અંદાજ આપ્યો છે.