ભારત છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું રશિયન-તેલ ખરીદશે
ભારતની રશિયન તેલની આયાત ડિસેમ્બરમાં ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી શકે છે. હાલમાં ભારત રશિયા પાસેથી લગભગ 18 લાખ બેરલ પ્રતિ દિવસ (bpd) ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. ડિસેમ્બરમાં તે 6-6.5 લાખ bpd રહેવાનો અંદાજ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રિફાઇનરી કંપનીઓએ અમેરિકી, યુરોપિયન અને બ્રિટિશ પ્રતિબંધોનું ઉલ્લંઘન ન થાય તે માટે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઝડપથી ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે.
રિફાઇનર્સ હવે રશિયન તેલના વૈકલ્પિક સ્ત્રોત શોધી રહ્યા છે. રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપિયન યુનિયનના રશિયા પરના તાજા પ્રતિબંધો છે.
US–EU પ્રતિબંધો પછી કડકાઈ
અમેરિકાના તાજા પ્રતિબંધમાં રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર કડકાઈ કરવામાં આવી છે. ખરીદદારોને 21 નવેમ્બર સુધીમાં આ કંપનીઓ સાથેના વ્યવહારો બંધ કરવા જણાવાયું હતું. જ્યારે યુરોપિયન યુનિયને 21 જાન્યુઆરી 2026ની અંતિમ તારીખ નક્કી કરી છે.
આ પછી, કોઈપણ રિફાઇનરી દ્વારા 60 દિવસ પહેલાના રશિયન ક્રૂડને પ્રોસેસ કરીને બનેલા ઇંધણને યુરોપમાં વેચી શકાશે નહીં.
ભારતીય બેંકોએ તપાસ વધારી
આ જ પ્રતિબંધોને કારણે અમેરિકા અને યુરોપમાંથી થતા ટ્રાન્ઝેક્શનની ભારતીય બેંકોમાં તપાસ પણ સઘન બની છે. જેના કારણે ભારતના સરકારી રિફાઇનરો પણ એલર્ટ થઈ ગયા છે.
મોટાભાગના ભારતીય રિફાઇનરોએ રશિયન તેલની ખરીદી બંધ કરી દીધી છે. મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ (MRPL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને HPCL–મિત્તલ એનર્જી હવે રશિયા પાસેથી તેલ લઈ રહ્યા નથી.