બેફામ દોડતી કારે સામેથી આવતી કારને ટક્કર મારી, CCTV
રાજકોટમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને અડફેટે લઈ નુકશાન પહોંચાડ્યું હતું. જોકે અકસ્માત બાદ કારચાલક યુવાન સહિતના નાસી છૂટ્યા હતા. સદનસીબે આ રોડ ઉપર પગપાળા કોઈ જતું ન હોવાથી માનવીય જાનહાનિ થઈ નથી, પરંતુ અન્ય કારમાં નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં કાર પૂરપાટ ઝડપે આવતી હોવાનું દેખાય છે અને ત્યારબાદ આ કારમાંથી એક પછી એક પાંચ જેટલા યુવાનો નીચે ઉતરે છે અને પછી નાસી છૂટે છે.
રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અરાઈસ વન બિલ્ડીંગમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 34 વર્ષીય નિખિલેશભાઇ ગોહિલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ગોંડલ રોડ મારૂતી સુઝુકીના શો-રૂમમાં મનેજર તરીકે નોકરી કરું છું અને મારા નામે GJ-03-NB-5038 નંબરની મારૂતી સુઝુકી કંપનીની ફોક્સ કાર છે, આ કારનો ઉપયોગ હું કરું છું.
આજે (30 નવેમ્બર)ના સવારના હું મારા ઘરેથી ગોંડલ રોડ ખાતે શો-રૂમ પર મારી નોકરીએ જવા મારી કાર લઈ નીકળ્યો હતો અને ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક થઈ આમ્રપાલી બ્રિજ તરફ જવાના રોડ ઉપર રેલવેના પાટા પાસે રોડ પર મારી કાર લઇ જઈ રહ્યો હતો. ત્યારે એરપોર્ટ ફાટકથી આમ્રપાલી બ્રીજ વચ્ચે 10.30 વાગ્યે પહોંચતા મારી કારની સામેથી આવતી સફેદ કલરની કારનો ચાલક પૂરઝડપે આવ્યો અને મારી કારને ટક્કર મારી હતી. જેથી મારી કારમાં જમણી સાઇડના ભાગમાં બમ્પર તેમજ હેડલાઈટને નુકશાન થયું છે અને આ અકસ્માતમાં મારી પાછળ આવતા એક એક્ટિવાચાલક દંપતીને પણ અકસ્માતમાં નુકસાન થયું છે.