પિયર હોય કે સાસરું, પરિવારની સઘળી જવાબદારી હીરાબાએ નિભાવી: ઘર ખર્ચ માટે વાસણ માંજવાનું કર્યું કામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. માતાનું નિધન થતા પ્રધાનમંત્રી વહેલીસવારે રાયસણ ખાતે પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારબાદ સેક્ટર 30 સ્મશાનમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
હીરાબાને ગુરુ માનતા હતા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે તેઓ અચૂક પોતાની માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર રાયસણ જતા. તાજેતરમાં જ તેઓએ 4 ડિસેમ્બરે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાતના ચૂંટણી સમયે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યાં હતાં. હીરાબાના 100મા જન્મદિવસે પૂજા-અર્ચના કરી હતી, માતાના લાંબા આયુષ્ય માટે ભગવાનની પૂજા અર્ચના પણ કરી હતી. તેમણે માતા હિરાબાના ચરણ વંદન કર્યા હતા. આટલી ઉંમર હોવા છતાં હીરાબાની યાદશક્તિ સારી રહેતી હતી. આ સિવાય હીરાબા ચાતુર્માસના નિયમોનું કડકપણે પાલન કરતા હતા. પ્રૌઢાવસ્થામાં પણ શક્ય બને ત્યાં સુધી હીરા બા પોતાનું કામ જાતે કરતા હતા. દેશના પ્રધાનમંત્રી હીરાબાને એમના ગુરુ માનતા હતા.
કેવું રહ્યું હીરાબાનું જીવન
જો આપણે હીરાબાના બાળપણની વાત કરી તો હીરાબાનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. બાળપણમાં જ એમને એમની માતાને ગુમાવ્યા હતા અને પારિવારિક સ્થિતિને કારણે હીરા બા અભ્યાસ માટે શાળાએ નહતા જઈ શક્યા. હીરા બા તેમના પરિવારમાં સૌથી મોટુ સંતાન હતા અને લગ્ન બાદ પણ PMના પરિવારમા હીરા બા મોટી વહુ હતા. એટલા માટે પિયરમાં તો ઠીક પણ સાસરિયાંમાં એ આખા ઘરની જવાબદારી હીરાબાના માથે આવી હતી. લગ્ન પછી સાસરિયાંમાં પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઘર ખર્ચ પૂરો કરવા હીરાબા વાસણ માંજવાનું કામ કરતા હતા અને ઘર કામ કર્યા પછી બચતા સમયમાં હીરા બા ચરખો ચલાવીને ગુજરાન ચલાવતા હતા. કાલા ફોલવાથી લઈને રૂ કાંતવાનું કામ કરતા હતા.
PM મોદીએ માતાની અર્થીને આપી કાંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. ગાંધીનગરના સેક્ટર 30 સ્મશાનમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. PM મોદી સહિત ચારેય ભાઈઓએ હીરા બાને અગ્નિ અર્પણ કર્યો. આ પહેલા પીએમ મોદીએ તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
PM મોદીના પરિવારનું નિવેદન
આ દુ:ખની ઘડીમાં તમારી પ્રાર્થનાઓ માટે આભાર, આપ સૌને વિનમ્ર પ્રાર્થના કે દિવંગત આત્માને પોતાના વિચારોમાં રાખો અને પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અને પ્રતિબદ્ધતાઓને યથાવત્ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે
PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા. હાલ જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી છે કે વધપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.' તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.