મગજના આ હિસ્સામાં ઘર કરીને રહે છે ખરાબ અને ડરામણી યાદો, કેમ સમયાંતરે આવે છે બહાર? જાણો

કોઈપણ ખરાબ અકસ્માત, ઘટના અથવા વાતો વર્ષો સુધી વ્યક્તીને શા માટે પરેશાન કરે છે? કારણ કે તેનાથી સંબંધિત ખરાબ અને ડરામણી યાદો વ્યક્તિના મનના એક ભાગમાં છુપાયેલી રહે છે.

જે સમયાંતરે બહાર આવે છે, જેના કારણે એ વ્યક્તિનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આ સ્થિતિ સામાન્ય રીતે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) ને કારણે થાય છે.

જણાવી દઈએ કે મગજનો હિપ્પોકેમ્પસ એ વિસ્તાર છે જ્યાં યાદો બનાવવામાં આવે છે પણ આજ સુધી કોઈને ખબર ન હતી કે મગજના કયા ભાગમાં એ ડરામણી યાદો સંગ્રહિત છે. શા માટે એ યાદ વારંવાર બહાર આવતી રહે છે? તાજેતરમાં યુએસએની એક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ એક સ્ટડી કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે મગજમાં ખરાબ યાદો ક્યાં છુપાયેલી રહે છે.

મગજની અંદર ઘર કરી જાય છે આવી વાતો
તમને જાણીને નવાઈ લાગશે કે આ ખરાબ યાદો આપણા મગજના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગમાં ઘર કરી જાય છે અને આ બધી ખરાબ યાદો એક વેબ બનાવીને એકબીજાને જોડતી રહે છે. જેમ એક બહાર આવે છે અને બાકીની એવી વાતો કે યાદો એક પછી એક બહાર આવવા લાગે છે. તેની સારવાર કેવી રીતે કરી શકાય તે જાણવાનો પણ વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો હતો. એક ઉંદરમાં મગજના ચેતા કોષો બનાવવામાં આવ્યા હતા. જેથી ભય કે પીડાની સ્થિતિમાં તેનું રીએક્શન જોઈ શકાય.

મગજની તે જગ્યા જોઈ શકાય છે જ્યાં આ ચોક્કસ ચેતા સક્રિય છે. આ પછી તેને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવીને છોડી દેવામાં આવ્યો હતો. એક મહિના પછી જ્યારે ઉંદરને તે જ જગ્યા પર પાછો લાવવામાં આવ્યો ત્યારે ત્યાં જ અટકી ગયો અને તેનું મન સક્રિય થઈ ગયું. તેના એન્જિનિયર્ડ ચેતા કોષ સક્રિય થઈ ગયા. જ્યારે વૈજ્ઞાનિકોએ ઉંદરના મગજના અનેક નમૂના લીધા તો વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ ડરામણી યાદો મગજના તે ભાગમાં છુપાયેલી હોય છે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ નિર્ણય લે છે.

મગજની અંદર આ જગ્યા પર રહે છે ડરામણી યાદો
ન્યુરોસાયન્ટિસ્ટ જુન-હ્યોંગ ચો કહે છે કે મગજના નિર્ણય લેવાના ભાગને પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ (PFC) કહેવામાં આવે છે. એટલે કે જ્યારે તમે એવી જગ્યાએ પહોંચો કે જ્યાં તમને કોઈ દુઃખ મળ્યું હોય અથવા જો તમારી પાસે ડરામણી યાદ છે, તો પછી તમારા મનની અંદરથી ડરામણી યાદો બહાર આવવા લાગે છે. અને એ પક્ષહી તમને સ્ટ્રેસ થવાનું શરૂ થાય છે. ડરના કારણે મગજના ન્યુરોન્સનું સર્કિટ બગડી જાય છે.

જુન-હ્યોંગ ચોએ કહ્યું કે ઇલેક્ટ્રિક શોક જેવી અન્ય ડરામણી યાદો પણ માનવ મગજના પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સમાં છુપાવી શકાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવી ઘટના પરથી પસાર થાય છે ત્યારે તેની જૂની ડરામણી યાદો બહાર આવે છે પણ તેનું નુકશાન એ છે કે તેના કારણે પ્રી-ફ્રન્ટલ મેમરીનું સર્કિટ બગડે છે. આ કારણે, તમે ઇચ્છો તો પણ અન્ય સારી ઘટનાઓ યાદ રાખી શકતા નથી.

લગભગ 6 ટકા યુએસ વસ્તી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) નો શિકાર છે. આ સ્ટડી મદદ કરશે કે કેવી રીતે અલગ-અલગ મનુષ્યોને તેમના ડર અને જૂની ખરાબ યાદોથી દૂર કરી શકાય અને PTSD જેવા રોગોની સારવાર કેવી રીતે કરવી. આ સ્ટડી તાજેતરમાં નેચર ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થઈ હતી.