બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
આ યોજનાથી ૪૬૨ હેક્ટર વિસ્તારને પિયતનું પાણી પૂરું પડાશે
રાજકોટ તા. ૧૦ જુલાઈ - રાજકોટ તાલુકાના બામણબોર ગામે જળસંપત્તિ વિભાગ હસ્તકનાં સિંચાઈ પંચાયત વિભાગ, રાજકોટ દ્વારા રૂ. ૨૬.૮૭ કરોડના ખર્ચે બામણબોર ગામે મચ્છુ - ૧ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદ્ધવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભથી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવાની યોજનાનું લોકાર્પણ જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અમલમાં મૂકેલી સૌની યોજનાએ સૌરાષ્ટ્રના લોકોનું જીવન બદલ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાના બામણબોર, ગારીડા, નવાગામ દોશલીધુનાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. પાણીનો સદુપયોગ કરવો, પાણીનો વેડફાટ ઓછો થાય તે તમામ નાગરિકની જવાબદારી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોએ પાણીની ચિંતા નહીં કરવી પડે. આ વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૫૩/- કરોડ મંજૂર કરવામાં
આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં સૌની યોજનાની તમામ લિન્કની ૩ કિમીની મર્યાદામાં આવતા તળાવો અને ચેકડેમને આવરીને લેવાશે અને તેને મા નર્મદાના નીરથી ભરવામાં આવશે. જેથી મહત્તમ પાણીને અલગ-અલગ વિસ્તારમાં સંગ્રહ કરી શકાય અને ખેડૂતભાઈઓ તેનો ખેતીમાં ઉપયોગ કરી શકે. સૌની યોજનાએ સમગ્ર સૌરાષ્ટ્રને હરિયાળું બનાવ્યું છે. આ વિસ્તારમાં ૩ ચેકડેમોને મંજૂરી મળી છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
વધુમાં મંત્રીશ્રી બાવળીયાએ ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં જ પાણીનો સંગ્રહ કરી શકે તે માટે અમલી “ખેત તલાવડી” યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવે છે. પાણીના ઉપાડ માટે સિંગલ ફેઝ મોટર સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

આ યોજનાના લોકાર્પણ પ્રસંગે ચોટીલાના ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણ તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છુ -૧ થી બામણબોર સુધીની ૪૫૦ મીમીની ડી.આઈ પાઈપલાઈન ૧૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન પાથરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઈન્ટેક વેલ સ્ટ્રક્ચરની ૨૨૬.૮૦ હોર્સપાવરની ડીસ્ચાર્જ ક્ષમતા ધરાવતી અને ૧૭૦ HPનાં ૩.૧ વર્ટિકલ ટર્બાઇન પંપ, તેનાં પેનલરૂમ તેમજ લાઈટ કનેક્શન અર્થે ૧૧ કેવીના સબસ્ટેશન મચ્છુ-૧ ડેમના પાળાના નીચેના વિસ્તારમાં અલગથી ઉભું કરવામાં આવ્યું છે. આ કામની નવી પાઈપલાઈનને બામણબોર નાની સિંચાઈ યોજનાની જુની પાઇપલાઇન સાથે જોડવાની કામગીરી અને ૨૫.૭૪ મીટરના રેસિડયુઅલ હેડ માટે અને સ્ટ્રક્ચરનાં બાંધકામની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. આ યોજનાથી ૪૬૨ હેક્ટર વિસ્તારને પિયતનું પાણી પૂરું પાડવામાં આવશે. આખી યોજનામાં ૧૭૦ હોર્સ પાવરના ૩ પંપ મૂકવામાં આવ્યા છે. જે ૬ લાખ લીટરની કેપેસિટી ધરાવે છે.
આ પ્રસંગે વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અધિક ઇજનેર શ્રી ડી. પી. ગજેરા, કાર્યપાલક ઇજનેર શ્રી વી. જે. ગોહિલ, અગ્રણી શ્રી રઘુભાઈ કુકડીયા, શ્રી દિલીપભાઇ વાંટિયા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.