બાળકોની આંખોનું તેજ વધારો

બાળકોને ફિટ અને હેલ્ધી રાખવા માટે આપણે લગભગ તમામ વસ્તુઓને ડાયટમાં સામેલ કરીએ છીએ. સ્વસ્થ આહાર લેવાથી બાળકોનું શરીર મજબૂત બને છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આજના બાળકો લાંબા સમય સુધી ટીવી, મોબાઈલ જુએ છે અને પોષણના અભાવે નાની ઉંમરમાં જ તેમની આંખો નબળી પડવા લાગે છે અને તેના કારણે માતા-પિતા ચિંતિત થઈ જાય છે. બાળકોની ડાયટમાં અમુક ફેરફાર કરીને તેમની આંખોને કમજોર થવાથી બચાવી શકાય છે. મેરઠ મેડિકલ કોલેજના આઇ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આર.સી. ગુપ્તા પાસેથી જાણીએ બાળકોની આંખોની સંભાળ કેવી રીતે રાખવી.

બાળકોની આંખોનું તેજ પ્રાકૃતિક રીતે વધારવા માટે રુટિન ડાયટમાં આ વસ્તુઓ ઉમેરો
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે બાળકોમાં આંખને લગતી સમસ્યાઓનું જોખમ ખાસ્સું વધી ગયું છે. જો કે, સમયસર કેટલીક સાવચેતી રાખવામાં આવે તો બાળકોની દૃષ્ટિને વધુ તેજ બનાવી શકાય છે.નીચે મુજબના ફૂડ્સ જો તમે તમારા બાળકના રુટિન ડાયટમાં ઉમેરો તો તમારા બાળકને ચશ્મામાંથી તો મુક્તિ મળશે જ સાથોસાથ તેની આંખોનું તેજ પણ વધશે.

આમળા
આમળા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર વિટામિન-સી આંખોની રોશની માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. બાળકોને દરરોજ આમળા ખવડાવવાથી તેમની રોગ પ્રતિકારકશક્તિ મજબૂત થાય છે. બાળકોને મીઠો મુરબ્બો, આમળા કેન્ડી અથવા આમળાનો રસ આપી શકો છો.

શકકરિયા
શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ બીટા કેરોટીન આંખોની રોશની તેજ કરવામાં મદદ કરે છે. શક્કરિયામાં વિટામિન-A અને વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે ખૂબ જ સારું છે. બાળકોને શક્કરિયાની ચાટ બનાવીને કે તેને ઉકાળીને ખવડાવી શકાય છે.

ગાજર
ગાજર મોટાભાગે બાળકોને પસંદ આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન-A અને વિટામિન-K ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા બીટા કેરોટીન અને વિટામિન-A આંખોની રોશની વધારે છે. બાળકોને સલાડ, સૂપમાં અને શાકભાજીમાં ગાજર ખવડાવી શકાય છે.

સંતરા
સંતરા સાઇટ્રસ ફળોમાં આવે છે. તેમાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, જે મોતિયા સામે લડવામાં મદદ કરે છે અને આંખોને હાઇડ્રેટેડ રાખે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે, તેથી તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટામેટા
મોટાભાગના બાળકો ટામેટા ખાવાનું પસંદ કરે છે. તેમાં રહેલા વિટામિન-A અને વિટામિન-C બાળકોની આંખોની રોશની વધારવાની સાથે તેમની આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાળકોને સલાડના રૂપમાં અથવા તો સૂપ બનાવીને પણ ટામેટા ખવડાવી શકાય છે. ટામેટાં ખાવાથી બાળકનું પાચન પણ મજબૂત થાય છે.

લીલા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેરોટીનોઈડ્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન-C અને વિટામિન-B12 જેવા અન્ય વિટામિન્સ અને ખનિજો પણ હોય છે. કેરોટીનોઈડ્સના એન્ટી ઓક્સિડેટીવ ગુણધર્મો આંખોને ફ્રી રેડિકલથી દૂર રાખી શકે છે. બાળકના આહારમાં બ્રોકલી અને પાલકનો સમાવેશ કરો. પાલકમાં લ્યુટિન અને ઝિએક્સેન્થિન હોય છે, જે આંખોનું તેજ વધારે છે.

દાળ,સૂકા મેવા અને બીજ
દાળમાં ભરપૂર પ્રમાણમાં બાયોફ્લેવોનોઇડ્સ અને ઝિંક હોય છે, જે આંખોના રેટિનાને ડેમેજ સામે રક્ષણ આપે છે. બાળકોની આંખોનું તેજ વધારવા માટે કાળી દાળ અને રાજમા ખવડાવો. દાળ ઉપરાંત પિસ્તા, કાજુ, બદામ, અખરોટ અને મગફળી જેવા ડ્રાયફ્રૂટ્સ પણ આંખોને તેજ બનાવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-E હોય છે, જે બાળકોમાં માયોપિયાનું જોખમ ઘટાડે છે.તેમાં ફેટી એસિડ્સ અને વિટામિન-E પણ હોય છે, જે આંખોમાં શુષ્કતાને દૂર કરે છે. અળસીના બીજ અને ચિયા બીજ ખાવાથી પણ આંખને લગતી સમસ્યાઓથી બચી શકાય છે.