અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹3000 કરોડના લોન ફ્રોડના કેસમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજૂરી વિના ભારત છોડવાની મંજૂરી નથી. જો તેઓ વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેમને એરપોર્ટ અથવા બંદર પર અટકાયતમાં લઈ શકાય છે.
અગાઉ, EDએ આ કેસમાં અનિલ અંબાણીને સમન્સ મોકલ્યું હતું. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે. ગયા અઠવાડિયે, ED એ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની 50થી વધુ કંપનીઓ અને સ્થળો પર દરોડા પાડ્યા હતા. 25થી વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ કેસમાં પૂછપરછ માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે.