ચીનમાં કોરોના બેકાબુ થતા અમેરિકા પણ ઍલર્ટ

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીને ભલે જોરદાર લોક વિરોધને કારણે લોકડાઉનમાં રાહત આપી હોય, પરંતુ કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. અમેરિકાએ ચીનમાં કોરોનાના વધતા પ્રકોપ પર ચિંતા વ્યક્ત કરી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ચીનમાં કોવિડનો પ્રકોપ જે રીતે ફેલાઈ રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

શું કહ્યું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ?
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે નેડ પ્રાઈસે કહ્યું કે કોવિડ ઝીરો પ્રોટોકોલને કારણે ચીનમાં કોરોના અટકી ગયો હતો, પરંતુ પ્રોટોકોલ હટાવ્યા બાદ ચીનમાં જે સ્થિતિ છે તેના કારણે કોવિડ-19 નવા વેરિઅન્ટને જન્મ આપી શકે છે. મીડિયા બ્રીફિંગ દરમિયાન, નેડ પ્રાઈસે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે ચીનમાં ફેલાતા વાયરસમાં કોઈપણ સમયે પરિવર્તન થવાની સંભાવના છે અને સમગ્ર વિશ્વના લોકો માટે ખતરો છે.

ચીનના શહેરોમાં કોરોના બેકાબૂ છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર સત્ય છુપાવી રહી છે. ચીનની સરકાર શરૂઆતથી જ દાવો કરી રહી છે કે, તેણે કોરોના મહામારીને પશ્ચિમી દેશો કરતા વધુ સારી રીતે હેન્ડલ કરી છે. સોમવારે પણ પોલીસ અને સુરક્ષાકર્મીઓએ પત્રકારોને બેઇજિંગના સ્મશાનગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ તરફ વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ નેડ પ્રાઇસના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મહત્વનું છે કે, ચીનમાં કોરોના પ્રોટોકોલને લઈને નાગરિકોના ભારે વિરોધ બાદ સરકારે ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલ સહિતના કડક નિયંત્રણો હટાવ્યા છે. પ્રતિબંધો હટાવ્યા બાદથી ચીનમાં કોરોના બેકાબૂ છે. ચીનના પશ્ચિમી વિસ્તાર શિનજિયાંગમાં આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ત્યાંના લોકોએ આ માટે કોવિડ પ્રોટોકોલને જવાબદાર ઠેરવ્યો. જેના કારણે નવેમ્બરના અંતમાં કોવિડ-19 પ્રોટોકોલને લઈને ચીનના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.

અમેરિકા કોરોનાના પ્રકારોની શોધમાં લાગ્યું
વિશ્વભરના દેશોમાં કોવિડ-19 તરંગોને ધ્યાનમાં રાખીને અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) સહિત ઘણી આરોગ્ય એજન્સીઓ ડેલ્ટા અથવા ઓમિક્રોન જેવા નવા પ્રકારો શોધી રહી છે. સીડીસીના જણાવ્યા અનુસાર કોવિડનું નવું વેરિઅન્ટ રસીકરણ હોવા છતાં કોરોના વાયરસને વધુ સરળતાથી ફેલાવવામાં સક્ષમ છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકનના નેતૃત્વમાં વર્ષની શરૂઆતમાં ચીનમાં એક પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને આશા છે કે, ચીન તેના વર્તમાન કોવિડ-19 પ્રકોપને જલ્દીથી નિયંત્રિત કરી લેશે કારણ કે કોરોનાથી ચીનને થયેલ નુકસાન વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. નેડ પ્રાઈસે કહ્યું કે ચીનની જીડીપી ઘણી ઊંચી છે. એટલા માટે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે કે ચીન કોરોનાની આ લહેરને જલદીથી કાબૂમાં લે.