માતા બાદ પિતાનું પણ મોત

રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર SRP કેમ્પ બ્લોક 18 ક્વાર્ટર નં. 210 માં રહેતાં SRP જવાન અતુલભાઇ રમણલાલ ગામીત (ઉ.વ.39) ગઇકાલે બપોર બાદ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. લિવરમાં તકલીફ હોવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. તેર દિવસ પહેલા જ અતુલભાઇના પત્નિ પ્રિતીકાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતાનું પણ મોત થતા પંદર દિવસની અંદર બે દિકરીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લિવરની તકલીફને કારણે મોત
અતુલભાઇ રવિવારે બપોરે ત્રણેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. લિવરની તકલીફને કારણે મૃત્યુ થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે SRP જવાન અતુલભાઇના પત્નિ પ્રિતીકાબેન (ઉ.વ.33)એ ગત 22 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પરિવારમાં કલ્પાંત સર્જાયો
પ્રિતીકાબેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતાં હોઇ તે બાબતે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થયા બાદ પતિ અતુલભાઇ ગામિત પરેડ કરવા ગયા બાદ ઘરે આવ્યા ત્યારે પત્નિ લટકતાં જોવા મળ્યા હતાં.અગિયાર વર્ષના લગ્ન જીવનમાં આ દંપતિ બે દિકરીના માતા-પિતા બન્યા હતાં. આ બંનેએ માત્ર પખવાડીયામાં જ માતા બાદ પિતા પણ ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.