કોરોના કાળ બાદ નવા વર્ષની ધૂમધામથી થશે ઉજવણી, એરલાઈન્સ કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો

નવા વર્ષની ઉજવણી સૌ કોઈ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી લોકો ગુજરાતની બહાર ઉજવાનું વધારે પસંદ કરે છે. 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવામાં ઉજવાનું વધારે પસંદ કરે છે. ત્યારે એરલાઇન કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવી ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો કરી દીધો છે. અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રિટર્ન ફેર 10 હજારની આસપાસ હોય છે. જે હાલમાં 40 ટકા વધારી રૂ. 14 હજાર કરી દેવાયું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતિદિન ડાયરેક્ટ પાંચ ફલાઇટ ઓપરેટ થાય છે. દિવાળીમાં પણ ગોવાના વન-વે એરફેર 9 હજાર સુધી વસુલી મુસાફરોના ખિસ્સા પર ભાર પડ્યો હતો. હવે ફરીથી 31 ડિસેમ્બરને લઇ એરલાઇન કંપનીઓએ ગોવાના ભાડા અધધ વધારો જીકી દીધો છે. એટલું જ નહીં અમદાવાદથી ગોવાની કનેક્ટિંગ ફલાઇટોના ભાડા પણ વધારી દીધા છે. વિવિધ એરલાઈનની અમદાવાદથી ગોવાની 5 ફ્લાઈટ ઓપરેટ થાય છે. જેમાં ઈન્ડિગોની 3, સ્પાઈસ જેટ અને ગો-ફર્સ્ટની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ગોવાના વન-વે એરફેરમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ હતો. આ વખતે તમામ પ્રકારના પ્રતિબંધ હટતાં ગોવા ફરવા જવાનો રસ લોકોને વધુ છે.
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વખતે બેંગકોક, વિયતનામ, દુબઇનું 30 ટકા વધુ બુકિંગ થયું હોવાથી મુસાફરોનો ટ્રાફિક રહેશે. અમદાવાદથી ગોવાની ફલાઇટોમાં અમુક તારીખમાં વન-વે ફેર 13 હજાર છે. જો કોઇ મુસાફર છેલ્લી ઘડીએ કે થોડા દિવસ પહેલા ગોવાની ફલાઇટ બુક કરાવશે તો વન-વે ફેર 17 હજાર ચૂકવવું પડશે. એટલે કે 15 ડિસેમ્બરથી અમદાવાદથી બેંગકોકની ફલાઇટ શરૂ થશે જેમાં રિટર્ન ફેર 25 હજારની આસપાસ છે.