AC-ફ્રિજ ખરીદવા હવે વધારે રૂપિયા ખર્ચવા પડશે
નવા વર્ષમાં રેફ્રિજરેટર (ફ્રિજ) અને એર કંડિશનર (AC) જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોંઘા થઈ શકે છે, કારણ કે આજે (1 જાન્યુઆરી) થી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના નવા સ્ટાર રેટિંગ નિયમો લાગુ થઈ ગયા છે. તેના કારણે રૂમ એર કંડિશનરની કિંમતોમાં 10% અને ફ્રિજના ભાવમાં 5% સુધીનો વધારો થઈ શકે છે.
કંપનીઓનું કહેવું છે કે નવા રેટિંગ મુજબ મશીનરીમાં ફેરફાર અને મોંઘા કમ્પોનન્ટ્સના ઉપયોગને કારણે આ વધારો જરૂરી બન્યો છે. આ ઉપરાંત, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ગ્લોબલ માર્કેટમાં કોપર (તાંબા) ના વધતા ભાવ પણ ઉત્પાદકો પર દબાણ લાવી રહ્યા છે.
BEEના નવા નિયમો હેઠળ એનર્જી એફિશિયન્સીના ધોરણો કડક બન્યા છે. બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટર બી. ત્યાગરાજને જણાવ્યું કે નવા નિયમો લાગુ થયા પછી આજનું 5-સ્ટાર AC આવતીકાલનું 4-સ્ટાર બની જશે. આ જ રીતે, હાલના 4-સ્ટારને 3-સ્ટાર અને 3-સ્ટારને 2-સ્ટાર રેટિંગ આપવામાં આવશે.
ત્યાગરાજનના મતે, નવું 5-સ્ટાર AC આજના કરતા 10% વધુ વીજળી બચાવશે, પરંતુ તેની કિંમત પણ લગભગ 10% વધુ હશે. આ એક રીતે સંપૂર્ણપણે નવું ઉત્પાદન હશે જે આજના 6 કે 7-સ્ટાર રેટિંગ જેટલી કાર્યક્ષમતા આપશે.