રાજકોટ જિલ્લામાં સીઝનનું કુલ 2.30 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

રાજકોટ જિલ્લામાં રવિ સીઝનનું અંદાજીત 2.30.013 હેકટરમાં વાવેતર થયાના આંકડા ખેતીવાડી વિભાગએ જાહેર કર્યા છે. જેના માટે પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો પણ ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે રવિ સીઝનમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 80591 હેક્ટરમાં ઘઉં અને સૌથી ઓછું 6884 હેક્ટરમાં લસણનું વાવેતર કરવામાં આવ્યું છે.
ઘાસચારાનું વાવેતર કરાયું
ખેતીવાડી વિભાગના આંકડા મુજબ ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં હાલ રવિ સીઝનમાં અંદાજિત 80591 હેકટરમાં ઘઉં, 71695 હેકટરમાં ચણા, 16674 હેકટ૨માં ચણા, 6884 હેકટરમાં લસણ, 10714 હેકટરમાં ડુંગળી તથા 7983 હેક્ટરમાં શાકભાજી અને 9278 હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. રવિ પાકોના થયેલા વાવેતરના પ્રમાણમાં જિલ્લામાં રાસાયણિક ખાતર યુરિયા 15,860 મેટ્રિક ટન, ડી.એ.પી. 4568 મેટ્રિક ટન, એન.પી.કે. 11324 મેટ્રિક ટન, એસ.એસ.પી. 4747 મેટ્રિક ટન ઉપલબ્ધ છે.
રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ
આ રાસાયણિક ખાતરનો જથ્થો જિલ્લાના તાલુકાઓના અને ગામડાઓના રાસાયણિક ખાતરના વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, તાલુકા સંઘ, જુદી-જુદી કંપનીઓના ડેપો પર ઉપલબ્ધ છે. જિલ્લામાં રવિ સીઝનમાં થયેલા વાવેતર સામે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોય ખેડૂતોને પાકની જરૂરિયાત મુજબ ખાતરની ખરીદી કરવા નાયબ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.