કાલાવડ રોડ પર દુકાનમાં શખ્સ ઈ-સિગારેટનો ધંધો ચલાવતો.....

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ અમીવર્ષા કોમ્પલેક્સમાં સ્મોકર્સ સીસા એન્ડ પરફ્યુમ નામની દુકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં અલગ-અલગ ફ્લેવરની ઈ-સિગારેટના જથ્થા સાથે ભવ્ય જયેશભાઈ ગંધા નામના વેપારીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ભવ્યએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક મહિનાથી પોતાની દુકાને નિયમિત આવતાં ગ્રાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ઈ-સિગારેટનું વેચાણ કરી રહ્યો હતો. ઈ-સિગારેટનો જથ્થો તેણે ઓનલાઈન એપ્લિકેશન મારફતે જ મગાવ્યો હતો. તે અલગ-અલગ ફ્લેવર તેમજ કંપનીની ઈ-સિગારેટને 1500થી 3000 રૂપિયામાં વેચી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રૂ.10,250ની કિંમતની ઈ-સિગારેટ કબ્જે કરી
ભવ્ય ઉપર એક વર્ષ પહેલાં ઈ-સિગારેટનું વેચાણ કરવા બદલ SOG પોલીસે પણ ધરપકડ કરી હતી. તે સમયે ધરપકડ બાદ તેણે આ ધંધો બંધ કરી દીધો હતો. પરંતુ ફરી ગ્રાહકોમાંથી માગણી થવા લાગતાં તેણે એક મહિનાથી ઈ-સિગારેટનું વેચાણ શરૂ કરી દીધું હતું. હાલ પોલીસે ભવ્યના કબ્જામાંથી કુલ રૂ. 10,250ની કિંમતની ઈ-સિગારેટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની સાથે ઝઘડો થતા યુવાને ફિનાઇલ પીધું
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં બુધ્ધનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાને ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી. યુવાન અગાઉ ટ્રક હંકારતો હતો. હાલમાં રિક્ષાના ફેરા કરે છે. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પિતાએ જણાવ્યું હતું કે, દીકરા સાથે તેની પત્નીએ શંકા કરી ઝઘડો કર્યો હતો. બન્ને વચ્ચે ચડભડ થતાં પત્નીએ ફિનાઇલની બોટલ ઉપાડી હતી પણ પછી કંઈ કર્યુ નહોતું. આથી દીકરાએ પીવી હોય તો એમ ન પીવાય, આમ પીવાય કહી બોટલ ખેંચી ફિનાઇલ ગટગટાવી લીધી હતી. તેને સારવાર બાદ રજા અપાઇ હતી.
જસદણમાં ત્રિપલ અકસ્માતમાં યુવાનનું મોત
જસદણના આંબરડી રહેતો અરવિંદભાઇ લાખાભાઇ કમેજાળીયા ગઇકાલે સાંજે પોતાની પત્ની મનિષા અને પુત્ર રોહનને બાઇકમાં બેસાડી કલોરાણા ગામે રહેતાં સસરા માયાભાઇના ઘરે આંટો મારવા જતો હતો. ત્યારે રસ્તામાં ગઢડિયા નજીક એક બાઇક સામેથી અથઠાયું હતું. ત્યાં ત્રીજુ બાઇક પણ આ બન્ને બાઇક સાથે અથડાતાં અરવિંદભાઇ, પત્ની, પુત્ર અને સામેના બાઇકના ચાલકો ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં અરવિંદભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ રાત્રિના દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર છૂટક મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ફેન્સિંગને પકડતા વીજકરંટ લાગતા યુવાનનું મોત
મૂળ મહારાષ્ટ્રના સુલતાનપુર ગામના અને હાલ જસદણના ગઢડિયા ગામની સીમમાં રસિકભાઇ નાથાભાઇ સરધારાની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં સંતોષ શીવાજીભાઇ ઉખલડેને વાડીએ પાણીની પાઇપ લઇને ઉભો હતો ત્યારે લોખંડના તારની ફેન્સિંગને પકડી લેતાં તેમાંથી કરંટ લાગતાં બેભાન થઇ જતાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેણે બે સગી બહેનો હનીતા અને બાનુ સાથે લવમેરેજ કર્યા હતાં. બંને પત્ની તેની સાથે જ રહેતી. એક પત્નીએ એક પુત્રી અને બીજી પત્નીને એક પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. ભુંડ સહિતના જનાવરો ખેતરમાં ઘૂસી ન જાય તે માટે ફેન્સિંગમાં વીજ કરંટ રખાયો હતો. જે મજૂરના મોતનું કારણ બન્યો હતો.
કામ ન મળતા પ્રૌઢે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટના રૈયાધારમાં આવેલ કૈલાસધાર 1માં આવેલ તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેતાં દિલબહાદુરભાઈ દોલબહાદુર સુનાર (ઉ.વ.45) આજે વહેલી સવારે ધરમનગર મફતીયાપરામાં આવેલ વંડીમાં ઝાડમાં દોરડું બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે દોડી જઈ મૃતદેહને નીચે ઉતારી ઓળખ મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી હતી. વધુમાં પોલીસે મૃતકના પરિવારની પૂછપરછ હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે, મૃતક હોટલમાં નોકરી કરતો હતો, પરંતુ છેલ્લા બે માસથી કોઈ કામ ધંધો ન હોવાથી કંટાળીને અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક ત્રણ બહેનોનો એક એક ભાઈ હતો અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ક્રાઈમ બ્રાંચના નવ માસ પહેલાના દારૂના ગુનામાં નાસતો ફરતો સંજય ગાંડુ ટોટા તેના ઘરે હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને મોરબીમાંથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગત માર્ચ મહિનામાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી અટીકા વિસ્તારમાંથી દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા અને જયદીપસિંહ ઉર્ફે ચિરાગ કિશોરસિંહ જાડેજાને વિદેશી દારૂની 17 બોટલ રૂ.6800 અને બાઈક મળી રૂ.36800ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. બન્નેની પૂછપરછમાં તે દારૂનો જથ્થો મોરબીના સંજયે આપ્યાનું કબુલ્યું હતું.