આરોગ્ય, રેલવે અને પોલીસ સહિતે કેસ કરી 60,600 દંડ વસૂલ કર્યો

મહેસાણા જિલ્લામાં આરોગ્ય સહિતના જુદા જુદા સરકારી વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ભંગના કાયદા હેઠળ લોકો સામે કેસ કરી રહ્યા છે, ત્યારે એપ્રિલથી સપ્ટેમ્બર છેલ્લા છ મહિનાની અંદર જિલ્લાના 6 સરકારી વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ભંગ અંતર્ગત 480 કેસ લોકો સામે કરીને રૂ.60,600નો દંડ વસૂલ્યો છે.
તમાકુના સેવન અને ધુમ્રપાન કરતા લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે તંત્ર દ્વારા જાહેરમાં ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતાં લોકો સામે કાર્યવાહી કરાઇ રહી છે. જે અંતર્ગત જિલ્લાના આરોગ્ય, પોલીસ, રેલવે, એસટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સહિતના 6 સરકારી વિભાગો દ્વારા એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીના 6 મહિનામાં તમાકુ નિયંત્રણ ભંગના 480 કેસ કરી રૂ.60,600નો દંડ વસૂલાયો છે. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા 468 જેટલા લોકો દંડાયા છે.
જિલ્લાના સ્ક્વોડ અને શિક્ષણ વિભાગે એકપણ કેસ કર્યો નથી
શિક્ષણ સંકુલની આસપાસ જ્યાં તમાકુનું સેવન અને ધુમ્રપાન વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ રહ્યું છે તેવા શિક્ષણ વિભાગ અને જિલ્લા સ્કવોડ 6 માસમાં તમાકુ નિયંત્રણ ભંગનો એકપણ કેસ કર્યો નથી.
સરકારી વિભાગ | કેસ | દંડ |
આરોગ્ય વિભાગ | 56 | રૂ.5,770 |
પોલીસ વિજાપુર | 166 | રૂ.33,200 |
ST વિજાપુર | 20 | રૂ.200 |
ખોરાક ઔષધ તંત્ર | 13 | રૂ.1,300 |
રેલ્વે વિભાગ | 5 | રૂ.500 |
ST મહેસાણા | 220 | રૂ.19,630 |
કુલ | 480 | રૂ.60,600 |