જસદણમાં પાણી નિકાલ માટેના ખાડામાં કાર પડી

જસદણ નગરપાલિકા દ્વારા શહેરના તાલુકા સેવાસદનથી લઈને શ્રીજી પ્રેસ સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે છેલ્લા એકાદ મહિનાથી પાઈપ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટરને જાણે કે કોઈ કહેવાવાળું ન હોય તેમાં પોતાની મરજી મુજબ કામગીરી કરવામાં આવતી હોવાથી નગરજનોમાં ભારે નારાજગી ઉઠી છે.
ત્યારે જસદણ શહેરના વાજસુરપરા વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાનજી મંદિર સામે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજે એકાદ મહિના પહેલા પાઈપ નાખવા માટે ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તે ખોદેલા ખુલ્લા ખાડામાં એક કાર ઉંધે કાંધ પડી હતી. આ બનાવના પગલે સેવાભાવી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
જો કે સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ તકે નગરજનોએ રોષભેર જણાવ્યું હતું કે, કાચબા ગતિએ આ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી પાઈપ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ક્યારે આ મોતના ખાડાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બુરવામાં આવશે તેનો કોઈ સમય નક્કી નથી.
પાલિકાને ખર્ચની હોંશ, 50 લાખનો ખોટો ખર્ચ કર્યો
આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા એકાદ મહિનાથી ખાડાઓ ખોદી નખાયા છે અને હવે કોઈ ડોકાતા પણ નથી. આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્રને કોઈ ફરક પડતો નથી. માત્ર રોકડીયા હનુમાનજી મંદિર સામે જ વરસાદી પાણીનો નાનો ખાડો ભરાતો હતો અને તેના નિકાલ માટે માત્ર રૂ.5000 જેટલો સામાન્ય ખર્ચ જ થઈ શકે તેમ હતો.
પરંતુ પાલિકાએ 50 લાખ જેટલો મોટો ખર્ચ કર્યો છે તે સાવ ખોટો છે. આ પાઈપ નાખવા માટે અમારા વોર્ડના એકપણ કોર્પોરેટર દ્વારા પાલિકામાં માંગણી કરવામાં આવી નથી. જેથી આ કામના કોન્ટ્રાક્ટર આ ખાડાને લીધે કોઈ અકસ્માતે મોતને ભેટે તે પૂર્વે ખોદેલા ખાડાઓને બુરવાની કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની માંગણી છે. - બીજલભાઈ ભેસજાળીયા-વોર્ડ નં.2 ના કોર્પોરેટર
અત્યારે કામ બંધ છે કે ચાલુ, તેની તપાસ કરાવીશ
ત્યાં પાઈપ નાખવાની કામગીરી ચાલુ જ હતી. જો અત્યારે ત્યાં કામગીરી બંધ હશે તો હું તેની તપાસ કરાવું છું. હું કાલે તે કામનો વર્ક ઓર્ડર જોઈશ અને તેની સમય મર્યાદા કેટલી છે તેની તપાસ કર્યા બાદ તે કામના કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગવામાં આવશે. વહેલી તકે ખોદેલા ખાડાઓ બુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને સુચના અપાવી દઉં છું. > અશ્વિન વ્યાસ-ચીફ ઓફિસર,જસદણપાલિકા