ભરબપોરે પણ કાતિલ ઠંડા પવનનું રાજ

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહે છે પરંતુ ઠંડો પવન ફુંકાય છે જેને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ 26 જાન્યુઆરી સુધી ઠંડો પવન રહેશે. ત્યારબાદ સીંગલ ડિજિટમાં તાપમાન પહોંચશે. 15 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે. ત્યારબાદ 15 માર્ચ સુધી ઠંડી-ગરમી બન્ને અનુભવાશે. વધુમાં હવામાનખાતાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હવાના દબાણનો તફાવત વધુ રહેતો હોવાને કારણે ઠંડા પવનો ફુંકાય છે. પવનો વધુ ઝડપે ફુંકાતા હોવાને કારણે ઠંડી હોય તેના કરતા વધુ અનુભવાય છે.
વેધરની ભાષામાં આ પ્રકારના વાતાવરણને વિન્ડ ચિલ્ડ ફેક્ટર કહેવાય. દિવસભર ઠંડો પવન ફુંકાય છે. સૌથી વધુ અસર સવારે-રાત્રે જોવા મળે છે. રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી હતું. પરંતુ દિવસભર ઠંડા પવનો ફુંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં જ સજ્જ જોવા મળ્યા હતા. રાજકોટમાં સવારે 18 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જે સૌથી વધારે હતો.
લગ્નપ્રસંગમાં, જાહેર કાર્યક્રમમાં પણ હાજરી ઓછી
હાલ ઠંડા પવનો ફુંકાતા શિતલહેરની સ્થિતિ સર્જાઇ છે. આ પરિસ્થિતિમાં શાળા-કોલેજમાં હાજરી પણ ઓછી જોવા મળે છે. અથવા તો માતા-પિતા બાળકોને સમય કરતા મોડા મોકલે છે. બીજું અત્યારે લગ્નસિઝન પણ ચાલી રહી છે. ઠંડા પવનો ફુંકાતા લગ્નપ્રસંગમાં પણ લોકોની હાજરી ઓછી જોવા મળી રહી છે. રાત્રે 9 વાગ્યા પછી રાજમાર્ગો પણ સૂમસામ બની જાય છે.
ખાનગી- સરકારી દવાખાના દર્દીથી ઊભરાયા
ઠંડી વધારે રહેવાને કારણે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હાલમાં ખાનગી-સરકારી દવાખાના દર્દીથી ઊભરાઈ રહ્યા છે. તેમજ દવાની ડિમાન્ડમાં વધારો પણ થયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઠંડીના કારણે શરદી-તાવ સહિતની બીમારી થઈ રહી છે.
સૌરાષ્ટ્રનું તાપમાન | ||
શહેર | લઘુતમ | મહત્તમ |
અમરેલી | 10 | 24.2 |
ભાવનગર | 12.6 | 24.2 |
દ્વારકા | 14.9 | 23.6 |
ઓખા | 17.3 | 22.5 |
પોરબંદર | 11.3 | 25 |
રાજકોટ | 10.3 | 24.9 |
વેરાવળ | 13.6 | 25.2 |
દીવ | 10.5 | 24.4 |
સુરેન્દ્રનગર | 11.2 | 24.5 |
કેશોદ | 8.8 | 24.1 |