અફઘાનની ચાઈનિઝ હોટલ પર 26/11 જેવો મોટો આતંકી હુમલો, ઘુસીને આતંકીઓએ મચાવી ખૌફનાક તબાહી

અફઘાનિસ્તાનને વેરવિખેર કરવા મેદાન પડેલા આતંકીઓએ હવે ચીની સંસ્થાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. આતંકીઓ સોમવારે ભારતના 26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકીઓ ફાયરિંગ કરતાં કરતાં ચાઈનીઝ હોટલમાં ઘુસી ગયા અને ત્યાં પ્રચંડ બ્લાસ્ટ કર્યો હતો જેને પરિણામે હોટલ સળગી ઉઠી હતી. હુમલાખોરોએ કાબુલના શહર-એ-નવા વિસ્તારમાં આવેલી હોટલને નિશાન બનાવી છે.
અંદરથી લોકોને બંધક બનાવવાનો આતંકીઓનો ઈરાદો
હુમલાખોરો ગોળીઓ ચલાવીને હોટલમાં ઘૂસ્યા હતા. સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે ચીનના ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની તે હોટલની અવારનવાર મુલાકાત લે છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો લોકોને અંદર બંધક બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ 26-11નો આવી જ રીતે હુમલોલ થયો હતો જેમાં આતંકીઓ તાજ હોટલ સહિત ઘણા ઠેકાણે ફાયરિંગ કરતાં કરતાં અંદર ઘુસ્યાં હતા અને લોહીની નદીઓ વહાવી હતી.
બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ નીકળતી દેખાઈ
આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યાં છે જેમાં બિલ્ડિંગમાંથી નીકળતી આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. સ્થાનિક મીડિયા હાઉસ ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર સૈનિકો તાબડતોબ દોડીને હોટલને ચારેબાજુથી ઘેરી લીધી હતી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
ભારતમાં પણ થયો હતો આવો આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર, 2008ના રોજ એકે-47ને લઇ જતા આતંકવાદીઓએ મુંબઇની અનેક ઇમારતોને નિશાન બનાવી હતી. આજે જેમ આ હુમલાખોરો હોટેલમાં ઘૂસ્યા છે, તેવી જ રીતે 2008માં પણ મુંબઇની હોટલ તાજમાં આતંકીઓ હાથમાં બંદૂક લઇને ઘૂસ્યા હતા. એ સમયે આતંકીઓએ વૃદ્ધો અને મહિલાઓને બાળકો પર નિશાન સાધ્યું હતું.