વૈશ્વિક ટ્રેન્ડની તુલનામાં 57 ટકા ભારતીય CEOના મતે દેશની આર્થિક વૃદ્ધિ ઝડપી વધશે: PwC સરવે

વૈશ્વિક સ્તરે મંદીના તોળાતા ખતરા વચ્ચે 78% ભારતીય CEOના મતે આગામી 12 મહિના દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થશે. PwCના વાર્ષિક ગ્લોબલ CEO સરવેમાં 105 દેશોના કુલ 4,410 સીઇઓને આવરી લેવાયા હતા જેમાંથી ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભારતના 68 સીઇઓ પણ સામેલ છે. સરવેમાં સામેલ મોટા ભાગના CEO વૈશ્વિક આર્થિક વૃદ્ધિને લઇને નિરુત્સાહી વલણ ધરાવતા હતા.
પરંતુ, 10માંથી 6 CEO (58%)એ આગામી 12 મહિના દરમિયાન દેશના ગ્રોથના ચિત્રને લઇને આશાવાદ દર્શાવ્યો હતો. તેની તુલનામાં માત્ર 37% સીઇઓ (એશિયા પેસિફિક) તેમજ ગ્લોબલ સીઇઓમાંથી 29%એ આગામી 12 મહિના દરમિયાન તેમના દેશમાં આર્થિક સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
62% સીઇઓના મતે ગ્રાહકોની સતત બદલાતી માંગને કારણે નફાકારકતાને અસર થશે : વૈશ્વિક અનિશ્વિતતા અને પડકારજનક માહોલ વચ્ચે 41% સીઇઓના મતે તેની સંસ્થા આર્થિક રીતે વધુ સાનૂકૂળતા દર્શાવશે નહીં. 62% ભારતીય સીઇઓ અનુસાર ગ્રાહકોની સતત બદલતી માંગને કારણે આગામી 10 વર્ષ દરમિયાન મહત્તમ અંશે કંપનીઓની નફાકારકતાને અસર થશે જ્યારે 54% સીઇઓ નિયમોમાં બદલાવને લઇને વધુ ચિંતિત જણાયા હતા.
વૈશ્વિક સ્તરે ઇકોનોમિક ગ્રોથને લઇને બિઝનેસ કોન્ફિડેન્સમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉર્જા સંકટને કારણે અનેક દેશો સ્થાનિક ગ્રોથને લઇને વધુ નિરુત્સાહી જણાયા હતા. વિશ્વમાં પરિસ્થિતી સુધરી રહી છે.
ટોચના CEO માટે વોલેટિલિટી, ક્લાઇમેટ ચેન્જ ચિંતાનો વિષય
રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ રાજકીય તણાવ જેવા કારણોથી ભારતીય CEO હવે પોતાના બિઝનેસ મોડલના કેટલાક પાસાઓમાં ફેરફાર કરવા માટે વિચારવા મજબૂર થયા છે. સરવેમાં સામેલ અડધાથી વધુ સીઇઓ હવે સાયબર સિક્યોરિટી તેમજ ડેટા પ્રાઇવસીમાં 50% રોકાણ, સપ્લાય ચેઇનમાં 67% જેટલું રોકાણવધારી રહ્યાં છે.
ભારતના 85% CEOની કર્મચારીઓની છટણી અંગે કોઇ યોજના નથી
વૈશ્વિક સ્તરે પ્રોજેક્ટ ખર્ચ પર કાપની યોજનાઓ વચ્ચે ભારતના 85 ટકા સીઇઓ કંપનીમાં છટણીની કોઇ યોજના ધરાવતા નથી. તેમજ 96 ટકા સીઇઓ પગાર ઘટાડવાના મત પર પણ સહમત નથી. તેઓ પોતાની કંપનીમાં ટેલેન્ટ પૂલને યથાવત્ રાખવાની યોજના ધરાવે છે. વૈશ્વિક સ્તરે ઇકોનોમિક સ્લોડાઉન, સતત ઉચ્ચ ફુગાવો તેમજ યુરોપમાં મંદીની પ્રતિકૂળ અસર છતાં પણ ભારતીય સીઇઓ દેશની આર્થિક વૃદ્ધિને લઇને આશાવાદ ધરાવે છે. આગામી કેટલાક વર્ષ દરમિયાન સીઇઓએ માર્કેટમાં ટકી રહેવા માટે બાહ્ય જોખમોનું સંચાલન કરવું પડશે તેમજ નફાકારકતા વધારવા પર ફોકસ કરવાનું રહેશે. લાંબા ગાળે કંપનીઓએ માર્કેટમાં મજબૂત પકડ બનાવી રાખવા માટે તેમના બિઝનેસ મોડલનું પુન:મૂલ્યાંકન, નવીનતા માટે સતત પ્રયાસો કરવા પડશે તેવું PwCના અધ્યક્ષ સંજીવ ક્રિષને જણાવ્યું હતું.