5000 લોકો દોઢ મહિનાથી પાણીના ઓછા ફોર્સથી પરેશાન
રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટી, ચંપકનગરથી ગોવિંદબાગ શાકમાર્કેટ સુધી તેમજ સિલ્વર નેસ્ટ વિસ્તારમાં ફોર્સથી પાણી ન મળતા 5000 જેટલા લોકો પરેશાન છે. જેને લઈને આજે મહિલાઓ વિફરી હતી અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ મહિનાથી પાણી ફોર્સથી ન આવતા ટેન્કર મંગાવવા પડે છે. ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરવામાં આવે તો તેઓ ફોન ઉપાડતા નથી. મત માંગવા હોય તો આવી જાય છે, પરંતુ અમારી સમસ્યા સાંભળવાનો સમય નથી. જેથી અમારી માગ છે કે, ફોર્સથી પાણી આપવામાં આવે અથવા તો ટેન્કરના પૈસા મળે.
રાજકોટની શક્તિ સોસાયટીમાં રહેતા મહિલા પ્રતીક્ષાબેને જણાવ્યું હતું કે, સંત કબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહીએ છીએ અને અમે અમારા વિસ્તારના કોર્પોરેટર ભાવેશ દેથરીયાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમારે અહીં એક મહિનાથી DI પાઇપલાઇન આવી ગઈ છે, પરંતુ ફોર્સથી પાણી આવતું નથી. જેને કારણે પીવાનું પાણી માંડ ભરાય છે અને ઘર વપરાશમાં લેવા માટે પાણી મળતું નથી જેને કારણે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે.
ધારાસભ્ય ઉદય કાનગડ પણ અમારો ફોન ઉપાડતા નથી આ વિસ્તારમાં દરરોજ ટેન્કરથી પાણી મંગાવવાને કારણે એક ટેન્કરના રૂ.500 તો પાણીની રિક્ષા મંગાવીએ તો રૂ.200 થાય છે. જોકે અમે મજૂર વર્ગ હોવાથી તે પૈસા અમને પોસાતા નથી. અમારી આ સમસ્યા બાબતે વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરીએ છીએ, પરંતુ તેઓ અમારા ફોન ઉપાડતા નથી. જેથી અમારું એટલું જ કહેવું છે કે અમને ફોર્સથી પાણી પહોંચાડવામાં આવે અથવા તો પાણીના ટેન્કરના પૈસા આપવામાં આવે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે મત માંગવા હોય ત્યારે ભાજપના ધારાસભ્ય આવી જાય છે, પરંતુ અમારી સમસ્યા સાંભળતા નથી.