રેસકોર્સમાં કારના કાચ ફોડી 35 તોલા દાગીનાની ચોરી
શહેરના હાર્દસમા રેસકોર્સ રિંગ રોડ પર ફનવર્લ્ડ પાસે મેદાનમાં દશ મિનિટ માટે પાર્ક કરેલી કારનો કાચ ફોડી તસ્કરો 35 તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા હતા. રેલનગરનો પરિવાર રામકૃષ્ણનગરમાં લગ્નમાં ગયો હતો, ત્યાંથી પરત ઘરે જતી વખતે રસ્તામાં બાળકે રાઇડમાં બેસવાનું કહેતા પરિવારજનો કારમાથી ઉતર્યા હતા અને તસ્કરો ગણતરીની મિનિટમાં જ કારમાંથી દાગીના ભરેલા પર્સ ઉઠાવી નાસી ગયા હતા.
રાજકોટના રામકૃષ્ણનગરમાં રહેતા ગિરિરાજસિંહ જાડેજાના ભત્રીજાના લગ્ન હોય રેલનગરમાં રહેતા બેંક કર્મચારી હરવિજયસિંહ ઝાલા તથા તેના પરિવારજનો રામકૃષ્ણનગરમાં લગ્નમાં ગયા હતા. વેલપ્રસ્થાન સહિતની લગ્નની વિધિ પૂરી થયા બાદ રાત્રે ઘરે પરત જવા નીકળ્યો હતો, કારમાં હરવિજયસિંહ, ત્રણ મહિલા અને બે બાળક હતો, કાર રેસકોર્સ રિંગ રોડ પર ફનવર્લ્ડ નજીકથી પસાર થતાં બાળકે રાઇડમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરતા કાર ફનવર્લ્ડ નજીકના ગેટથી રેસકોર્સ મેદાનમાં કાર લીધી હતી અને કાર પાર્ક કરી તમામ લોકો નીચે ઉતર્યા હતા.
બાળકોને રાઇડમાં બેસાડ્યાની દશ મિનિટ જ થઇ હતી ત્યાં બાળકોએ ઠંડી લાગી રહ્યાનું કહેતા તેમને રાઇડમાંથી ઉતારી પરિવારજનો પરત પોતાની કાર પાસે પહોંચ્યા હતા, કાર નજીક જતાં જ તમામના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા, કારના કાચ ફૂટેલા હતા અને કારમાં બે મહિલાએ સોનાના દાગીના ભરેલા રાખેલા બે પર્સ પણ ગાયબ હતા, ઝાલા પરિવારે આસપાસમાં તપાસ કરી હતી પરંતુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ નજરે નહીં ચડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ અંગે હરવિજયસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંને પર્સમાં 35 તોલા સોનાના દાગીના હતા જેમાં સોનાના સેટ, પંજા, નાનો સેટ, ચેઇન વીંટી સહિતના દાગીનાઓ હતા, એક મહિલા કારમાંથી ઉતર્યા હતા ત્યારે તેમણે પોતાનું પર્સ સાથે રાખતા તે દાગીના બચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.