અંજાર પાલિકા પર વીજ તંત્રનું 28.52 કરોડનું લેણું

શહેરીજનો પાસેથી સતત વેરા વસૂલ કર્યા બાદ પણ કચ્છની પાલિકાઓ પાણી પુરવઠા તથા વીજ વિતરણના બિલ ભરવામાં કરાતી આળસને કારણે વીજ કનેક્શન કપાઇ જતા છેવટે જે-તે શહેરોના રહેવાસીઓને સહન કરવું પડી રહ્યું છે. અંજારમાં પણ પાલિકા દ્વારા બિલ ભરવામાં થયેલી આળસને કારણે વીજતંત્રનું બાકી લેણું અધધધ.. કહી શકાય તેવું 28.52 કરોડનું ચડી ગયું છે. અને ત્યારબાદ પણ દર મહિને પાણી વિતરણ માટેના 23 જોડાણોનું 28 થી 30 લાખ જેટલું બિલ ચડી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર પીજીવીસીએલ દ્વારા અંજાર પાલિકાને પાણી વિતરણ માટેના 23 બોરના વીજવપરાશના બિલ પેટે કુલ લેણી રકમ રૂા. 28,52,01,956 સુધી પહોંચી ગઇ છે. ગત ઓકટોબર માસમાં આ લેણી રકમ રૂ. 40 કરોડ સુધી પહોંચી ગયા બાદ સતત મીટીંગો પછી પાલિકા દ્વારા 11 કરોડ ભરવામાં આવ્યા હતા,પરંતુ બાકીની લેણી રકમ પણ અધધધ કહી શકાય એવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંજાર નગરપાલિકા દ્વારા વીજબિલ ભરવામાં આળસ દાખવવામાં આવી રહી છે.
આ સ્થિતિમાં વીજકંપની પાલિકાના કનેક્શન કાપી નાખવા માંગે છે પરંતુ લોકોને મુશ્કેલી પડતી હોવાને કારણે કડક પગલાં ભરવાને બદલે બાકી લેણું પૂરું કરવા સતત નોટિસો આપવામાં આવી રહી છે. આ અંગે અંજાર પાલિકાના જવાબદારોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અંજાર પાલિકા દ્વારા સમયસર વીજબિલ ભરવાના પ્રયાસો થયા જ છે અને ધીમેધીમે અગાઉની બાકી રકમ ભરવામાં આવી રહી છે.
આ સિવાય શહેરીજનોને સમસ્યા ન થાય તે માટે વીજકંપની સાથે વાટાઘાટો પણ કરવામાં આવી છે. અંજારપાલિકા દ્વારા હાલમાં જારી વેરા વસૂલાતની કામગીરી બાદ વીજકંપનીના લેણા સંદર્ભે પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું હતું. ગઇ કાલે વીજકંપની દ્વારા ભુજ પાલિકા હસ્તકના પાણી વિતરણના 9 જોડાણ કાપી દેવાયા છે ત્યારે આગામી દિવસોમાં અન્ય પાલિકાઓ માં પણ કડક કાર્યવાહીના સંકેત છે. આ સ્થિતિમાં લોકોને અગવડ ન પડે તે માટે અંજાર પાલિકા વીજકંપનીના બાકી લેણા સંદર્ભે યોગ્ય કામગીરી કરે તે જરૂરી બની ગયું છે.
બુધવારે 7 જોડાણ કાપી દેવાયા હતા
અંજાર શહેર પેટા વિભાગના વડા એમ.એચ. પટેલના જણાવ્યાનુસાર, સતત નોટિસ બાદ પણ લેણી રકમ ભરવામાં ન આવતા વીજ કંપની દ્વારા અંજાર પાલિકા હસ્તકના પાણી વિતરણ માટેના 7 જોડાણ કાપી દેવામાં આવ્યા હતા. બાદમાં, પાલિકાના જવાબદારોની ટૂંક સમયમાં વીજબિલ ભરી દેવાની બાહેધરી મળતા જનહિતને ધ્યાને રાખીને આ કપાયેલા જોડાણ પુનઃ જોડી દેવાયા હતા.