25 હજાર વર્ષ પહેલાં ભારતમાં રહેતા હતા વિશ્વનાં 50 ટકા લોકો, BHUનાં વૈજ્ઞાનિકોનો ખુલાસો

બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)નાં એક સંશોધનમાં એક ચોંકાવનાર સત્ય સામે આવ્યું છે. વૈજ્ઞાનિકો મુજબ 25 હજાર વર્ષ પહેલાં ભારતમાં આખા વિશ્વની 50 ટકા આબાદી વસવાટ કરતી હતી. તાજેતરમાં કાશી તામિલ સંગમમના 27માં દિવસના શૈક્ષણિક કાર્યક્રમમાં BHUનાં જીન સાયન્ટિસ્ટ જ્ઞાનેશ્વર ચૌબેએ આ રિસર્ચ વિશે માહિતી આપી હતી.

આદિમ માણસનો વિકાસ માત્ર ભારતમાં જ થયો છે, તેની પુષ્ટિ સંશોધનમાં કરવામાં આવી છે. પૂર્વ આફ્રિકાને માનવ સંસ્કૃતિના મૂળનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ તેમાં ભારતનું યોગદાન પણ ઓછું નથી.

તાજેતરના પુરાતન-જીનોમિક સંશોધન અનુસાર, આદિમ મનુષ્યોનું મૂળ નિ:શંકપણે આફ્રિકામાં થયું છે, પરંતુ તેમનો વિકાસ ફક્ત ભારતમાં જ થયો છે. રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે 25 હજાર વર્ષ પહેલા દુનિયાની અડધી વસ્તી ભારતમાં રહેતી હતી.

BHUનાં જનીન વૈજ્ઞાનિક પ્રોફેસરે માનવ સંસ્કૃતિનાં ઇતિહાસને શોધી કાઢનારા આ પુરાતન-જીનોમિક સંશોધન વિશે માહિતી આપી છે. જ્ઞાનેશ્વર ચૌબે એ કાશી તમિલ સંગમમમાં 27મા દિવસે તેમણે જીનોમ સ્કેલિંગ આધારિત અભ્યાસ વિશે જણાવ્યું હતું. આ રિસર્ચ 1.6 લાખ DNA સેમ્પલ પર કરવામાં આવ્યું છે.

આફ્રિકામાં ઉત્પતિ, ભારતમાં પાલન-પોષણ
પ્રોફેસર ચોબેનું કહેવું છે કે, ભલે આધુનિક માનવીની ઉત્પતિ આફ્રિકામાં થઈ હતી પણ તેનું પાલન-પોષણ આપણા દેશમાં થયું હતું. આ જ કારણ છે કે, દેશમાં 25 હજાર વર્ષ પહેલાં વિશ્વની 50 ટકા આબાદી રહેતી હતી. સંશોધકોએ દેશનાં જુદા-જુદા ભાગોમાં 25 હજાર સેમ્પલ પર સંશોધન કરીને આ પરિણામ મેળવ્યા હતા.

DNA સેમ્પલ્સ પર અભ્યાસ થયો હતો
વૈજ્ઞાનિકોએ 25 હજાર DNA સેમ્પલ્સની તપાસ કરી હતી. તેમાં ભારતીયોનાં DNAની તુલના યૂરોપ, પશ્ચિમી એશિયા, પૂર્વી એશિયા, સાઈબેરિયા અને આફ્રિકાનાં 1 હજાર DNA સેમ્પલ્સ સાથે કરવામાં આવી હતી. DNAમાં મ્યૂટેશનનાં રુપમાં આપણા પૂર્વજોની ઓળખ મળે છે. વૈજ્ઞાનિકોએ આ માહિતી ડિકોડ કરી અને તેના આધારે પરિણામ બહાર પાડ્યું.

કૃષિ સાધનોનાં પુરાવા પણ મળ્યા હતા.
વૈજ્ઞાનિક પ્રો. જ્ઞાનેશ્વર ચૌબેએ રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હડપ્પા મોહેં-જો-દડો સભ્યતાનાં 20 હજાર વર્ષ પહેલાં પણ ભારતમાં સુસંસ્કૃત લોકો રહેતા હતા. 25 હજાર વર્ષ પહેલાં મોટાભાગનાં લોકો હિમાલય, અરબ સાગર અને બંગાળની ખાડીની વચ્ચે ભારતીય દ્વિપકલ્પમાં રહેતા હતા. વધુ સારી જગ્યા અને ખોરાક મળ્યો પછી ધીમે-ધીમે આ લોકો સમગ્ર એશિયા અને બાકીના ટાપુઓમાં ફેલાઈ ગયા. પુરાતત્વમાં પણ આના પુરાવા મળી આવે છે. પ્રો. ચૌબેનો દાવો છે કે, આ લોકોએ અહીં માઇક્રોલિથિક ટેકનોલોજીની શોધ કરી હતી. તેના માધ્યમથી પથ્થરનાં ઓજારો બનાવવાની શરૂઆત થઈ તેમજ દેશમાં સિંધુ-સરસ્વતી દોઆબમાં ખેતી શરૂ કરવામાં આવી હતી.