15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે- હાઈકોર્ટે સગીરાઓને આપી 'આઝાદી'

દિલ્હી બાદ હવે ઝારખંડ હાઈકોર્ટે પણ સગીરાઓને તેમની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છૂટ આપી છે. ઝારખંડ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 15 વર્ષની મુસ્લિમ યુવતી પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. હાઈકોર્ટે પર્સનલ લો બોર્ડને ટાંકીને આ નિર્ણય આપ્યો હતો. વાસ્તવમાં ઝારખંડ હાઈકોર્ટ એક પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. બાળકીના પિતાએ બિહારના નવાદા જિલ્લાના રહેવાસી મોહમ્મદ સોનુ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તેમણે સોનુ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેમની દીકરીને લાલચ આપીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ સોનુએ આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારી હતી. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી.
કોર્ટના નિર્ણય બાદ પિતાએ પણ આપી સંમતિ
હાઈકોર્ટના નિર્ણય બાદ સગીરાના પિતાએ પણ પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તેમને તેમની પુત્રીના લગ્ન સામે કોઈ વાંધો નથી. તેમને થોડી ગેરસમજ થઈ હતી. આ ગેરસમજને કારણે તેણે એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ હવે બધું બરાબર છે.
દિલ્હી હાઈકોર્ટ પણ કહી ચૂકી છે- 15 વર્ષની છોકરી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી શકે
ઉલ્લેખનીય છે કે દેશમાં બીજી હાઈકોર્ટે આ પ્રકારનો ચુકાદો આપ્યો છે. એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ અગાઉ પોતાનો ચુકાદો આપી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી, છોકરી પોતાની મરજીથી કોઈની સાથે લગ્ન કરી શકે છે. જસ્ટિસ જસમીત સિંહની અધ્યક્ષતાવાળી બેંચે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરનાર મુસ્લિમ દંપતીને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. આ દંપતીએ આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યા હતા. ઓગસ્ટ 2022માં દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો.